|
|
 
 
 
નવા સમાચાર

 

-: શ્રી માતા - માતંગી ઉર્ફે મોઢેશ્વરી :-


શ્રી માતંગી દેવી એટલે રાજમાતંગી દશ મહા વિદ્યાઓ પૈકી એક દેવી છે. મોઢ બ્રાહ્મણો અને વૈશ્યોની તે કુલામ્બા છે. તે મોહરકપુરની મુખ્ય અધિષ્ઠાત્રી ગણાય છે. દેવી માતંગીની ઉત્પત્તિ કથા આ પ્રમાણે છે. ત્રેતાયુગમાં સત્ય મંદિર, દ્વાપરયુગમાં બેદભુવન, કલયુગમાં મોહેસપુર, મધ્યકાલમાં મોઢેરા તરીકે આ જગ્યા પ્રસિધ્ધ થઈ. શ્રી બ્રહ્માજીએ શ્રીમાતા પ્રગટ કર્યા તેમના મુખમાંથી. મોહેરકપુરમાં વસેલા બ્રાહ્મણોના રક્ષણ માટે શ્રી માતા દેવીની સ્થાપના થઇ હતી.

શ્રી માતાના હાથમાં કમંડલ તથા પુસ્તક હોય છે. તેના વસ્ત્ર શ્વેત હોય છે. તે મહાલક્ષ્મી અથવા રૂદાણી પણ કહેવાય છે. આ દેવીના રક્ષણ નીચે વાસ કરતા કરતા બ્રાહ્મણોના સેંકડો વર્ષો વીતી ગયા એવામાં ત્યાં કર્ણાટ નામે એક રાક્ષસ થયો. તે બ્રાહ્મણોને ખુબ પજવવા લાગ્યો તથા તેમના યજ્ઞ-યજ્ઞાદિ કાર્યોમાં ભારે વિઘ્નો કરવા લાગ્યો. હારી થાકીને બ્રાહ્મણો આ પીડામાંથી મુક્તિ માટે શ્રીમાતા પાસે પહોંચ્યા. શ્રીમાતાએ તેમને અભય આપીને રાક્ષસનો નાશ કરવાનું વચન આપ્યું.

તે પછી રાક્ષસના વર્ધાર્થ શ્રી માતાએ પોતાનું વિશિષ્ટ તેજસ્વી સ્વરૂપ ધારણ કર્યું. તે જ દેવી માતંગી તે શ્યામ, રક્તવસ્ત્ર ધારણ કરેલી. સિંહ પર સવારી કરેલી, રક્ત ઓષ્ઠવાળી, અત્યંત સ્વરૂપવતી, રક્ત પાદ, રક્ત માળા, ધારણ કરનારી, ધનુષ્યબાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદર, સાથે પરિઘ, શંખ, ઘટ, પાશ, કટાર, છરી, ત્રિશુલ, મદ્યપાત્ર, અક્ષમાળા, શક્તિ, તોમર, મહાકુંભ, એમ અઢાર હાથમાં ધારણ કરનારી, કડાં તથા બાજુબંધ પહેરેલી. કુતરાને સાથે રાખનારી. માતંગીદેવી (આજ સ્વરૂપમાં આજે પણ મોઢેરામાં મોઢેશ્વરી માતંગી મંદીરમાં સાક્ષાત મૂર્તિ સ્વરૂપે બીરાજે છે.

આવી સ્વરૂપના અંબાર સમી દેવીને જોઇને કર્ણાટ રાક્ષસ મોહવશ થયો તેણે દેવી સમક્ષ અઘટિત માગણી કરી પણ દેવીએ તો તેને આહવાન કરીને યુધ્ધ શરૂ કર્યું અને અંતે કર્ણાટનો વધ થાય છે. આ વધ થી પ્રસન્ન થયેલા વિદ્રો તથા વણિકો દેવીની સ્તુતિ કરે છે. ત્યારે દેવીએ સૌ-સૌના કૌટુંબિક મંગલ પ્રસંગે પોતાની (માતંગીની) પૂજા કરવાની આજ્ઞા કરી છે. વિશેષ કરીને માધ માસની કૃષ્ણ તૃતિયાએ દેવીનું બલિથી વટવૃક્ષ નીચે પૂજા કરવાનું કહે છે.

આ સમગ્ર કથાના ફળ સ્વરૂપે કહી શકાય કે :-

૧. મોઢ સમાજના ઇષ્ટદેવ શ્રીરામ છે તેમણે જ હનુમાનજીની મોઢ કોમના નિવાસ-સ્થળ મોઢેરાના સંરક્ષક તરીકે નિમ્યા હતા.
૨. મોઢ સમાજની કુળદેવી શ્રીમાતા છે. જેણે રાક્ષસના સંહાર માટે વિશિષ્ટ તેજસ્વી રૂપ ધારણ કર્યું તે માતંગી મોઢેશ્વરી અષ્ટદશ ભુજાવાળી જેનું પૂજન મોઢ સમાજે દરેક શુભ પ્રસંગે પોતાને ત્યાં કરવાનું છે.
૩. ચૈત્રી તથા અશ્વીની બંને નવરાત્રીમાં ઉપવાસાદિ તથા પૂજા કરવાનું મોઢ લોકો માટે વિધાન છે.
૪. મોઢ લોકો મુળ ગુજરાતના વતની છે.
ભગવાન શ્રીરામ દ્વારા રાવણની બ્રહ્મહત્યા થઇ તેના પ્રાયશ્ર્ચિત વિશે કુળ ગુરૂ વશિષ્ટને પુછ્યુ ગુરૂએ કહ્યું આપ સ્વયં ભગવાનના અવતાર છો પરંતુ રામના અતિ આગ્રહને વશ થઇ તેઓએ કહ્યું બધા વિધી વિધાનો મનની શુદ્ધિ માટે જ છે. છતાં પૃથ્વી ઉપર ધરમારણ્ય એક શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં યમરાજ, સૂર્યપુત્ર અને સૂર્યપત્ની સંજ્ઞાએ પણ તપ કર્યા હતાં. આ જ સ્થળ બ્રહ્મહત્યાની નિવૃત્તી છે.

ધમારણ્યમાં રામચંદ્રજી તેમના પરિવાર સાથે પસાર થતા હતા ત્યારે તેમના વિમાનો, વાજીંત્રો, ઘોડા, હાથી વિ. અટકાઇ ગયા. આથી રામચંદ્રજીએ ગુરૂ વશિષ્ઠને પ્રશ્ન કર્યો ત્યારે ગુરૂએ સમજ આપી કે આ ધર્મારણ્યમાં પગે ચાલીને જવું જોઇએ. અહીં માતા માતંગીનો વાસ છે. રામચંદ્રજીએ સુવર્ણા નદીને કિનારે પડાવ નાંખ્યો છે. વિમાનો ત્યાં રોકાયા છે. નદીમાં સ્નાન વિધિ કરી પગે ચાલીને માતા માતંગીના દર્શન કર્યા અને દેવીની વિનંતીથી ધરમારણ્યનો પુન:ઉધ્ધાર કરવા સંકલ્પ કર્યા. શ્રી રામચંદ્વજી ત્રિમૂર્તિનું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્યાં પ્રગટ થઈ બ્રાહ્મણોને દાન લેવાની અનુજ્ઞા આપે છે. ત્રણ દેવોની હાજરીમાં જ જીર્ણોધ્ધાર અને ભવ્ય પ્રસાદોના નિર્માણનું કાર્ય શરૂ થાય છે. રામચંદ્રજીએ બ્રાહ્મણોને ૫૫ ગામ દાનમાં આપ્યા. પછી હનુમાનજી વૈશ્યને લાવ્યા. ખેતર ખેડવાનો પ્રારંભ થયો. રામચંદ્રજીએ પુનરૂધ્ધારમાં સ્મરણમાં મોઢ વણિકને એક ખડગ અને બે ચમ્મરનાં ભેટ આપી. તે દિવસથી લગ્ન સમયે વરરાજા તલવાર રાખે છે અને બે ચમ્મરો ઉડાડવામાં આવે છે. બ્રાહ્મણોને તેડાવી તેમને એક ખડગ તથા બે ચામરોની ભેટ આપી તે દિવસથી મોઢ જ્ઞાતિમાં વરરાજાના પરણવાના સમયે પોતાની પાસે તલવાર તથા બે ચામરો ઓઢાડવામાં આવે છે.

શ્રી રામચંદ્રજીએ અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. બકુલના વૃક્ષ તળે જ્યાં પૂર્વે સૂર્ય પત્ની છાયાએ (સંજ્ઞાએ) તપ કર્યુ હતું. ત્યાં શ્રી રામચંદ્રજીએ બકુલાર્ક સૂર્યના ભવ્ય મંદિરની સ્થાપના કરી. એ રીતે પોતાના કુલસ્વામી સુર્ય દેવતાની તેમના હાથે પધરામણી થઈ. હાલ સૂર્ય મંદિરના જે અવશેષો ઉપસ્થિત છે તેનું શિલ્પ અને કોતરણી અજોડ ગણાય છે. આ વિખ્યાત સૂર્યમંદિર અગિયારમાં સૈકામાં બંધાયું હશે તેમ અનુમાન છે.

"મોહકપુર" માં કાન્યકુબ્જ કનોજના "આમરાજ"નો રાજ અમલ આ પ્રદેશ ઉપર શરૂ થયો. તે રાજા પરાક્રમી હતો. તેણે વૈષ્ણવ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકર્યો. બૌદ્ધ ક્ષપણકના ઉપદેશથી તેની પ્રજા બૌદ્ધ ધર્મ પાળવા લાગી. રાજાએ તેની પુત્રી રત્નગંગાને વલ્લભી રાજા સાથે પરણાવી. તેણે બ્રાહ્મણોના અધિકાર છીનવી લીધા. બ્રાહ્મણોએ રામચંદ્રજીએ તામ્રપત્ર પર કહેલ દાનપત્રો બનાવ્યા. પણ રાજા ન માન્યા. "તમારા રક્ષક હનુમાનજી હોય તો તેની પાસેથી ભૂમિ પરત લેજો." તેમ રાજાએ જણાવ્યું. બ્રાહ્મણો ધર્મારણ્યમાં પરત આવ્યા પંચ મળ્યું છે. ચતુર દલીલ કરનાર બ્રાહ્મણો ચતુરવિદ - ચાતુવિધિ તરીકે ઓળખાય. ચાતુવિધિ બ્રહ્મસમાજના પંદર હજારમાંથી ૨૦ તથા ત્રણ હજાર ત્રૈવેદ્યાના ૧૧ એમ મળી કુલ ૩૧ બ્રાહ્મણો રામેશ્વર ગયા. ચાતુર્વેદી બ્રાહ્મણો પરત આવ્યા. બાકીના ૧૧ ત્રૈવેદ્યો અનેક સંકટ વેઠતા રામેશ્વર પહોંચ્યા.

વિધર્મીઓના આક્રમણ સાથે પ્રાચીન પુરાણ પ્રસિધ્ધ મોઢેરા નગરી ખંડેરોમાં ફેરવાઈ ગઈ. પ્રજા વસ્તી જુદી જુદી દિશામાં વેર વિખેર થઈ ગઈ આમાં જે અડાલજ ગામ ગયા તે અડાલજા કહેવાયા, માંડલ ગામ ગયા તે માંડલિયા કહેવાયા આમ દશા-વિશા અડાલજા તથા માંડલિયા બધા મુળ તો ગૌભુજા વણિક છે. ખેતી કરનારા પટેલ તરીકે ઓળખાયા તૈલીનું કામ કરનારા (ચાંપાનેરી મોઢ) જે મોઢ ઘાંચી તરીકે ઓળખાયા. હોડી ચલાવનારા તે મધુકરા (ખંભાતી) મોઢ તરીકે ઓળખાયા.

કળિયુગમાં પ્રવર્તનારી વિષમ પરિસ્થિતિનો ખ્યાલ “ધર્મારણ્ય માહાત્મ્ય” ના છેલ્લા ૬૯માં અધ્યાયમાં આપ્યો છે. કહ્યું છે કે વિત્તમેવ કલો તૃણાં જન્માચાર ગુણોધ્યો મનુષ્યના જન્મ, આચાર ને ગુણ પૈસામાં જ પરિ સમાપ્ત થયેલાં લેખાશે. ચોરી જૂઠ અકારણ હિંસા જેવા વિવિધ પ્રકારના કર્મ માણસો કરશે ચારે વર્ણ શુદ્ર સમાન થઈ જશે, ચાર આશ્રમોમાં માત્ર ગૃહસ્થાશ્રમ જ રહેશે. સગાર માત્ર યુવાનીમાં રહેશે ઔષધિઓ નાની થઈ જશે. આમ જ્યારે સંપૂર્ણ કળી જામશે ત્યારે ભગવાનનો કલ્કી અવતાર થશે ને ત્યારે બધા કલિકૃત અનિષ્ટોનો નાશ થશે અને ધર્મારણ્ય ફરી ઉત્પન્ન થશે! શ્રી માતંગી દેવીના પૂજન મોઢ વિપ્રો ધર્મારણ્યમાં ફરી વસશે ને તેમની સેવામાં ગૌભુજા વણિકો પાછા આવી જશે.

સમય જતાં ગુજરાતના છેલ્લા રાજપુત રાજા કરણદેવ વાઘેલાનો દિલ્લીના અલાઉદ્દી ખીલજીનાં અલફખાન સેનાપતિનાં હાથે પરાજય થયો. (સંવત ૧૩૫૬) ગુજરાતમાં મુસ્લિમ રાજસત્તા આવી. અને ગુજરાતનાં મંદિરો તુટવા લાગ્યા. મોઢેરા મોઢ બ્રાહ્મણનો અજીતગઢ હતો. મોઢ બ્રહ્મણો કેવળ વેદપાઠી જ ન હતા. લડવૈયા પણ હતા. મોઢ બ્રાહ્મણોમાં જયેષ્ઠી મલ્લ બ્રાહ્મણો તો વ્રજમુષ્ટી પહેલવાન હતા. અને સેનામાં મોખરે હતા. મોઢેરા ગામે મુસ્લીમ સેનાનો બહાદુરીથી સામનો કર્યો. માંડવ્ય ગોત્રના પરાક્રમી બ્રાહ્મણે સુભટ વિઠલેશ્વરે મોઢની સેનાને સંગઠીત કરી. છ મહિના સુધી શત્રુને હંફાવ્યા. છેવટે સુલહ થઈ જેમાં પાંચ હજાર સોનામહોર ખર્ચ પેટે બ્રાહ્મણો આપે તો મુસ્લીમ ઘેરો હટાવે. સુલેહ થવાથી મોઢેરા ગામનાં દરવાજા ખોલવામાં આવ્યા. આખરે દગો થયો. મુસ્લીમ સૈનિકોએ મોઢેરા લુંટ્યું. સુર્યમંદિર તોડ્યું અને માતંગી દેવીની મુર્તિને ભ્રષ્ટ કરવામાં આવશે એવા ભયથી બ્રાહ્મણો એ તેને વાવમાં પધરાવી દીધી. આજ વાવ ધર્મવાવ તરીકે ઓળખાય છે. આ બનાવ બન્યો ત્યારે ધુળેટી હતી.

ગુજરાતમાં ગાયકવાડી સરકારની સત્તા સ્થપાતાં ધાર્મિક સ્થળોની અવનતિ અટકી. મોઢ બ્રાહ્મણો તથા વેશ્યો મોઢેરા, માલવા, ઉજ્જૈન, ઈન્દોર, ભોપાલ તથા ગુજરાતના અન્ય સ્થળે વસ્યા. સયાજીરાવ ગાયકવાડે રેલ્વેલાઈન બેચરાજી સુધી લંબાવી. આથી યાત્રિકો મોઢેરા આવવા લાગ્યા. આથી પાટણમાં વકીલાત કરતાં શ્રી નથ્થુભાઈ ગિરધરલાલ પરીખે “મંદિરનો જીર્ણોદ્ધાર ન થાય ત્યાં સુધી માથે પાઘડી તથા પગે મોજડી ન પહેરવાની ‘ટેક’ ધારણ કરી. બ્રિટીશ સમયમાં વડોદરા રાજ્યની પરવાનગીથી લૉટરી કાઢી. ફાળો એકત્રિત કર્યો. સંવત ૧૯૬૨ માં જીર્ણોધ્ધાર પ્રારંભ કરી, વિક્રમ સંવત ૧૯૬૬ ના મહા સુદ ૧૩ ના દિવસે હાલમાં માતાજીની મૂર્તિ છે તે મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. બે સમર્થ વિદ્વાનો જામનગર નિવાસી વે.શા.સં. મહામહોપાધ્યાય શાસ્ત્રીજી હાથીભાઈ હરિશંકર અને અમદાવાદ નિવાસી વે.શા.સં. મહામહોપાધ્યાય શાસ્ત્રીજી રામકૃષ્ણ હર્ષજીના હસ્તે વેદોક્ત વિધિથી માતંગીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ત્યારથી દર વર્ષે મહાસુદ ૧૩ ના દિવસે શ્રી માતંગીનો પાટોત્સવ ઊજવાય છે.

મોઢ કુળ ભુષણ શેઠ શ્રી સર પુરસોત્તમદાસ ઠાકોરદાસ મુંબઈવાળા જેઓ હાલના આપણા ૯૫ વર્ષ જુની શ્રી મોઢેશ્વરી સંસ્થાના પ્રથમ પ્રમુખ હતા. અને અત્યારના આ મંદિરના જીર્ણોધ્ધારમાં અમુલ્ય ફાળો હતો.

તા. ૧-૧૧-૧૯૩૯એ મોઢ કુળનાં ઈતિહાસમાં સુવર્ણ દિન હતો શ્રી મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાનના બીજા પ્રમુખનો હોદ્દો અમદાવાદમાં રહેતાં ગુજરાતના ગૌરવ દાનવીર શીરોમણી ધર્મ રક્ષક સાહિત્ય એવમ પર્યટન પ્રેમી એવા શેઠ શ્રી રમણલાલ લલ્લુભાઈ હતા. તે સમયે સંસ્થાના માથે દેવું હતું. તેઓના અથાગ પ્રયત્નથી રહેવા માટેની આઠ રૂમો તથા પ્રાથમિક સુવિધા શક્ય બની, પાણી માટે બે બોર કરાવામાં આવ્યા પરંતુ બોરમાંથી પાણી ન નીકળતા મંદિરની બાજુમાં તલાવડીમાં ખાડો ખોદી યાત્રાળુઓ પાણી લાવતા પાણી ઓછું પડતાં આજુબાજુના કુવાના ખેતરોનો ઉપયોગ થતો રસોડા માટેનું પાણી ઊંટગાડીમાં પીપ ગોઠવીને બે કિલોમીટર દુરથી મંગાવવામાં આવતું.

માતાજીના પનોતા પુત્રની સાડત્રીશ વર્ષની સેવાના પ્રતિક રૂપે મોઢેરા મંદિર ૧૯૭૭માં એમની પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાની અનાવણ વિધી શેઠ શ્રી ચંદ્રકાંત રતિલાલ જગાભાઈવાળાના હસ્તે કરવામાં આવી હતી. શેઠ શ્રી ચંદ્રકાંત રતિલાલ જગાભાઈવાળા ત્યારબાદ ૨ વર્ષ સુધી સંસ્થાના ત્રીજા પ્રમુખ હતા.

રહેવા માટે આઠ નાની ઓરડીઓ હતી. સંઘમાં આવતી બહેનોને આ આઠ રૂમ ફાળવાતી અને પુરૂષો ઓસરીમાં માતાજીના ઓટલે સુતા. પ્રકાશ માટે કેરોસીનના દીવડાનો ઉપયોગ થતો. માતાજીના મંદિરમાં યાત્રિકોને અગવડ અનુભવાતી જેમ કે મંદિરમાં લાઈટ, પીવાનું પાણી અને જમવાની કોઈ સુવિધા નહિ હોવાથી મુશ્કેલી પડતી. ૧૯૭૭ની જનરલ સભામાં નવિન ટ્રસ્ટીઓની ચૂંટણી થઈ; તે પ્રમાણે નવા ટ્રસ્ટીઓએ વહીવટ સંભાળી લીધો. શ્રી દયાશંકર ત્રિવેદીએ પ્રમુખપદ ધારણ કરી ભેખ ધારણ કરી.

સગવડો ઊભી કરવામાં નાણાંની જરૂરીયાત માટે ફાળો એકત્ર કરવાની કામગીરી આરંભી પ્રથમ મુંબઈથી ફાળો મેળવવાની શરૂઆત કરી, જેમાં સફળતા મળી, ત્યારબાદ અમદાવાદ, વિસનગર અને બીજાં નાનાં-મોટાં ગામોમાં ફરી ફાળો એકત્ર કરવામાં આવ્યો. મોઢ સમાજનો સારો સહકાર મળ્યો. શ્રી દયાશંકરભાઈના પ્રયત્નોથી 'એપોલો' વાળાએ વિનામૂલ્યે પ્રથમ પાણીનો ટ્યુબવેલ તૈયાર કર્યો. દિનપ્રતિદીન સંસ્થામાં ટોયલેટ બ્લોક, રસોડું, ભોજનાલય, વિશાળ ભોજનખંડ અને વિવિધ રૂમોનું બાંધકામ, ગૌશાળાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી માતંગીના શુભાશીર્વાદથી સંસ્થા દિનપ્રતિદીન પ્રગતિ કરવા માંડી.

આ આઠ રૂમવાળા માતંગીના પ્રાંગણમાં આજે ૬૭ (સડસઠ) સંડાસ-બાથરૂમની સુવિધાવાળા રૂમો તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ૧૫ સાદા રૂમ છે. હાલમાં રૂમની સગવડતા ઉપલબ્ધ છે. ભોજનાલય અવિરત ચાલુ છે. સાતસોથી વધુ ગાદલાંની સગવડ ધરાવતી સંસ્થામાં ૨૫૦ વ્યક્તિ કે તેથી વધુ વ્યક્તિ બેસી શકે, આરામ કરી શકે તેવા ત્રણ મોટા હોલ, એક હજાર વ્યક્તિ ભોજન લઈ શકે તેવું ભોજનાલય છે.

શ્રી કૃષ્ણ મંદિરની સ્થાપના, સુંદર આકર્ષક આરસની કોતરણી, શ્રી માતંગી, શ્રી ભટ્ટારિકા તથા શ્રી મહાદેવજીના મંદિરમાં ગ્રેનાઈટ લગાડી નિજગૃહને સુંદર આકર્ષક બનાવ્યું છે. તેનું આકર્ષક પ્રવેશદ્વાર તૈયાર કરી શ્રી માતંગીને અર્પણ કર્યું છે. સિમેન્ટ કોંક્રીટનો રસ્તો તૈયાર કરી “કિર્તન” માર્ગ તરીકે નામાભિધાન થયું છે.

વર્ષ ૧૯૯૩થી આ સંસ્થાએ દંતયજ્ઞ, કિડની નિદાન યજ્ઞ, કેન્સર નિદાન, સ્ત્રીરોગ નિદાન, બાળરોગ નિદાન તથા આંખ નિદાનના કેમ્પ યોજવા માંડ્યા. દિનપ્રતિદિન આ સર્વરોગ નિદાન કેમ્પ પ્રસિદ્ધિ પામતા ગયા. ૧૯૯૩થી પ્રતિવર્ષ સરેરાશ ૮૦ થી ૧૦૦ વ્યક્તિને મોતિયાનાં નિ:શુલ્ક ઓપરેશન કરાવી, તેના એક સગાને તથા દર્દીને ત્રણ દિવસ આ સંસ્થામાં કોઈ પણ પ્રકારના ચાર્જ વિના ઓપરેશન કરાવી, દરરોજ વિના મૂલ્યે જમાડવામાં આવે છે. ‘મા’ ના આ પનોતા પુત્રોને મોતિયાની રૂઝ જલદી આવે તે માટે નિયમિત પોષ્ટિક આહાર જમાડી, પ્રેમથી રાખી, કાળાં ચશ્માં અને એક માસ બાદ મોતિયાનાં નંબરવાળા ચશ્માં તથા એક થાળી, વાટકો, પ્યાલો સાથે ઓઢવા માટે ચોરસા ભેટ આપી હસતા ચહેરે આ ‘મા’ ના વયોવૃધ્ધ દર્દીઓને વિદાય આપવામાં આવે છે. શ્રી માતંગીના ચરણે સેવા કરવાનો અનેરો આનંદ મળે છે.

આથી જ તા. ૫-૪-૧૯૯૮ના રામનવમીના દિવસે વિશાળ સાંસ્કૃતિક ભુવન અને આરોગ્યધામનું ખાતમુહૂર્ત પણ થયું, જે મકાનમાં બાંધકામની કામગીરી પૂર્ણ થયેલ છે. આ મકાન પૂર્ણ થતાં જ મોઢ સમાજનાં સમુહ લગ્નો, સમુહ યજ્ઞોપવિત સંસ્કાર, સર્વ રોગ નિદાન કેમ્પ, સત્સંગ સભા વગેરે કાર્યક્રમો આ મકાનમાં યોજાવા માંડ્યા છે. ૬૫૦૦ ચો.ફૂટ જગ્યા ધરાવતું બેઝમેન્ટ જ્યાં અંદાજે એક હજાર વ્યક્તિ જમી શકે છે. અને સ્વ. ગીતાબેન રસિકલાલ જાનીના આ સાંસ્કૃતિક હોલમાં સમૂહ લગ્નો, સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર જેવા કાર્યક્રમો યોજાય છે.

આ ટ્રસ્ટના પ્રમુખશ્રી દયાશંકરભાઈ ત્રિવેદી, રમણીકભાઈ દોશી, ઉપપ્રમુખશ્રી જશુભાઈ મહેતા તથા શ્રી લક્ષ્મણભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી આ વિકાસ મોઢ સમાજના સહયોગથી સિધ્ધ થયો. ૨૦૦૭માં નવીન ટ્રસ્ટી મંડળની રચના થઈ. જેણે ભેખ ધારણ કર્યો છે મંદિરના વિસ્તૃતીકરણનો.

શ્રી માતંગીનું મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. (૧) નિજ મંદિર (ગર્ભ ગૃહ) જ્યાં માતંગી બિરાજે છે. (૨) નૃત્ય મંડપ – જ્યાં દર્શનાર્થીઓ શ્રી માતંગી સમક્ષ ઉપસ્થિત રહી સ્તુતિ વંદના કરે છે. (૩) યજ્ઞ કક્ષ – જ્યાં માતંગીની પૂજા અર્ચના નવચંડી યજ્ઞ થકી થાય છે. (૪) સભા મંડપ – જ્યાં દર્શનાર્થીઓ પ્રથમ એકત્રિત થાય છે.

આપ સહુની શ્રી માતંગી પ્રત્યેની અતૂટ અને અમિટ શ્રધ્ધા, પૂજા-અર્ચના માટેનું લક્ષ્ય, શ્રી માતંગી પ્રત્યે આદરભાવ પ્રદર્શિત કરે છે. સમગ્ર દેશમાંથી તથા વિદેશમાંથી યાત્રાળુઓ શ્રી માતંગીના દર્શનાર્થે પધારે છે. અને આથી જ હાલના મંદિરના નૃત્ય મંડપમાં અંદાજે ૫૦ થી ૬૦ વ્યક્તિ એક સાથે આરતીનો લ્હાવો લઈ શકે છે. જે જગ્યા હાલના યાત્રાળુઓના ઘસારાને ધ્યાને લેતાં અપૂરતી જણાઈ રહી છે. ફલસ્વરૂપે શ્રી માતંગીના મંદિરના વિસ્તૃતિકરણની યોજના મંદિરોના સુવિખ્યાત શિલ્પી, અન્ય સ્થપતિ, સ્ટ્રક્ચરલ એન્જીનીયરના સાનિધ્યમાં તૈયાર થઈ રહી છે.

આ આયોજન જોતાં જણાશે કે શ્રી માતંગીના નૃત્ય મંડપમાં એક સાથે હાલ જ્યાં ૫૦ વ્યક્તિ આરતી કરી શકે છે તેની જગ્યાએ ૮૦૦ વ્યક્તિ ઉભા રહી આરતી કરી શકશે.

આવો આપણે સહુ એકત્રીત થઈ શ્રી માતંગીના મંદિરમાં અલૌકિક નૈસર્ગિક વાતાવરણમાં બિરાજેલ શ્રી માતંગીના પાદ પ્રક્ષાલન આપણે સૌ ભક્તિપૂર્ણ સ્નેહલ અક્ષુજળથી કરીએ. શ્રી માતંગીની આરતી અનિર્વાણ આંતરદીપથી ઉતારીએ અને ‘મા’ ના ચરણયુગલના એક માત્ર અનિશ્ચિત બની, શુધ્ધ અરંતાની હોમાનલમાં આહુતિ અર્પીએ એજ.

 
 
   સુવિધાઓ
 
 
 
 
ચિત્ર પ્રદર્શની