|
|
 
 
 
નવા સમાચાર

 

મોઢેરામાં “મા” માતંગી (શ્રી મોઢેશ્વરી) તથા મોઢ કુળની ઉત્પત્તિ
મોઢેશ્વરી મહામાયા મોઢ મંગલ કારિણિ |
કુલદેવી કુલં પાતુ સદ્‍ગતિં સન્મતિ પ્રિયા |


શ્રી અખિલ બ્રહ્માંડાધિશ્વરી અનંત કોટી બ્રહ્માંડ વ્યાપિની. એવા કુલ દેવી શ્રી મોઢેશ્વરી માતા અમારા કુલની સુરક્ષા કરો સદ્‍ગતિ અને સન્મતિ પ્રદાન કરો

પુરાણ પ્રસિદ્ધ મોઢેરા ગુજરાત રાજયના મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ છે. બહુચરાજી રેલ્વે સ્ટેશન ૧૩ કિ.મી., મહેસાણા રેલ્વે સ્ટેશન ૨૫ કિ.મી. તથા અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલ છે. નજીકનું આંતરરાજકીય અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ૧૦૦ કિ.મી. દુર અમદાવાદમાં આવેલ છે.

આર્ય સંસ્કૃતિનું મહાન કેન્દ્ર અને વર્ષો જુની ભારતીય સંસ્કૃતિ-કલાધામ મોઢેરા આજ પ્રવાસીઓને એકલુ અને અટુલુ એકસંગીની યોગીની જેમ હજારો વર્ષથી તપ કરતું સમાધીમાં લીન થયેલું, જીર્ણ કાય અને હૃદયમાં કાળની અનેક ગાથાઓ ગાતુ ઉભેલુ દેખાય છે.

આ મોઢ કુળનો ઇતિહાસ આજે વેદ પુરાણોમાં પદમ્‍પુરાણ અને સ્કન્દ પુરાણામાં “ધર્મારણ્ય મહાત્મય” અને “ધર્મારણ્ય ખંડ”માં ઉપલબ્ધ છે. પદમ્‍પુરાણના (૬૯) અગણાસીતેરના અધ્યાયમાં ૪૦૦૦ શ્લોક છે. ને સ્કન્દ પુરાણના ૪૦ અધ્યાયમાં ૧૭૦૮ શ્લોક છે. તથા શ્રી મોઢ પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે.

મોઢ કુળના બે અંશ, -બ્રાહ્મણ અને વણિક તે બન્નેનું ભારતના સમસ્ત પ્રજા જીવનમાં અગત્યનું પ્રદાન છે. ખાસ કરીને વિદ્યા સાહિત્ય, ધર્મ, ઉદ્યોગ તથા રાજનીતિના ક્ષેત્રોમાં
પૌરાણિક ઇતિહાસ : આ કુળની ઉત્પત્તિ ધર્મારણ્યમાં થઇ છે. એવો ઉલ્લેખ છે અને તે ઇતિહાસ છેક આદિકાળથી શરૂ થાય છે અને ત્યારથી અત્યાર સુધીમાં ધર્મારણ્યની ઉત્પત્તિ સ્થિતી, નાશ પુનરૂસ્થાપન, અને વર્તમાનની એક આકર્ષક કથા સર્જાઇ છે. પદ્ય પુરાણના “ધર્મારણ્ય મહાત્મય” માં જણાવ્યું છે કે,

કૃતયુગે ધર્મારણ્યં ત્રેતાયાં સત્યમંદિરમ્ |
દ્રાપરે વેદભુવનં કલૌ મટે હેરક શુભમ ||

એટલે કે આ સ્થળ સત્યયુગમાં ધર્મારણ્ય ત્રેતાયુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન તથા કળિયુગમાં કલ્યાણકારી મોહેરકપુર નામે ઓળખાશે.

પુરાણોમાં જે કથાનું વર્ણન છે તે અનુસાર આદિકાળમાં એક વખત ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરતાં હતાં ત્યારે સૃષ્ટિની રચનાનો વિચાર તેના મનમાં ઉત્પન્ન થયો. શ્રી ભગવાને પોતાની નાભિમાંથી બ્રહ્માની ઉત્પત્તિ કરી અને તેઓને સૃષ્ટિની રચનાનો કારભાર સોંપ્યો.

બ્રહ્માંડમાં સુંદર સુંદર વન ઉપવન પર્વત નદી આદિ સ્થાનો હતાં. શ્રી બ્રહ્માજીને બ્રહ્માંડમાં જીવ સૃષ્ટિની ઇચ્છા થઇ તે માટે તેમણે ઘોર તપ કર્યું. તેમના પ્રભાવથી આ જગ્યાએ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરે, ત્રણ વેદના જાણકાર છ, છ, છ, હજાર બ્રાહ્મણો ઉત્પન્ન કર્યા અને આમ કુલ ૧૮ હજાર બ્રાહ્મણો ઉત્પન્ન થયા. તે સમયે શ્રી બ્રાહ્મી, શ્રી લક્ષ્મી તથા શ્રી પાર્વતીજી આ બ્રાહ્મણોની ગૃહસ્તાથી આવશ્યક્તા સમજી ૧૮ હજાર બ્રાહ્મણકન્યા ઉત્પન્ન કરી અને બ્રાહ્મણો સાથે લગ્ન કરાવ્યા. આ બ્રાહ્મણોના કાર્યની વ્યવસ્થા જાળવવા છત્રીસ હજાર સેવકો ઉત્પન્ન કર્યા. કામધેનુએ પોતાની ખરીના અગ્ર ભાગથી પૃથ્વીને ખોદી અને એમાંથી ૩૬૦૦૦ વણિકો ઉત્પન્ન કર્યા. આ વણિકો “ગૌભુજા” અથવા ગાંભવા વણિકો તરીકે ઓળખાયા. દક્ષિણ હસ્ત તરફના “દશા વણિક” અને વામ હસ્ત તરફના “વિશા વણિક” કહેવાયા.

યોગ્ય સમયે ત્રણેય દેવોએ ૩૬ હજાર વણિકોની ગૃહસ્થિ માટે યોગ્ય કન્યાઓની તપાસ કરવા શ્રી વિશ્વાસુ ગાંધર્વને આજ્ઞા કરી. શ્રી વિશ્વાસુ ગાંધર્વ ચંદ્રમાં પાસે ગયા. સમુદ્ર મંથન ધ્વારા પ્રાપ્ત અતિ સુંદર અને સ્વરૂપવાન કન્યાઓ ચંદ્રમાં પાસે હતી. શ્રી વિશ્વાસુ ગાંધર્વ ચંદ્રમાં પાસેથી આ બધી કન્યાઓને પોતાની સાથે લઇ આવ્યા અને ૩૬ હજાર વણિકો સાથે આ કન્યાઓના લગ્ન કરાવી પત્નિરૂપે તેઓને સોંપી. આ સમસ્ત બ્રાહ્મણો અને વણિકો માતૃયોની વિના સ્વયં ભગવાનની ઇચ્છાથી ઉત્પન્ન થયા.

એક સમયે આ સ્થળે ધર્મરાજે (યમરાજ) ૧૦૦૦ વર્ષનું પ્રચંડ તપ આદર્યું. ઇન્દ્રને બીક લાગી કે પોતાનું ઇન્દ્રાસન જશે. ધર્મરાજને તપમાંથી શ્યુત કરવા તેને વર્ધની નામે અપ્સરાને મોકલી પણ ધર્મરાજા વશ ન થયા અને સ્પષ્ટ કહ્યું કે મારે ઇન્દ્રાસન નથી જોઇતું મારે તો માત્ર ભગવાન શંકરના દર્શન કરવા છે ત્યારે ઇન્દ્રને નિરાંત વળી પ્રસન્ન થયેલા શંકરે ધર્મરાજાને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું.

ભગવાન શંકરે પ્રસન્ન થઇ આ તપોભૂમિને ધર્મરાજાના નામ સાથે જોડી ધર્મારણ્ય નામ આપ્યું અને સ્વયંભૂ શીવલીંગ સ્વરૂપે ધર્મારણ્ય ક્ષેત્રમાં સનાતન વાસ કર્યો. આજે પણ આ સ્થળે ધર્મેશ્વર નામે ભગવાન શંકરના એક અંશ રૂપે અહીં વાસ કરે છે. ધર્મારણ્ય ક્ષેત્રના આધિષ્ઠાત્રી દેવી શ્રી ભટ્ટારીકા માતાજી “મા” છે.

 
 
   સુવિધાઓ
 
 
 
 
ચિત્ર પ્રદર્શની